શ્રી કલ્પવૃક્ષ ત્રણ ગામ જૈન સમાજ

(ખેરોજ - લાંબડીયા - પોશીના મોટા)

પૂ. આદરણિય વડીલો અને પ્રિય જ્ઞાતિબંધુઓ,
છેલ્લા દોઢ દાયકાથી કાર્યરત આપણું “શ્રી વીર જૈન યુવક મંડળ” થી આપણા ત્રણ ગામ,ખેરોજ, લાંબડીયા, પોશીના મોટા ના મુંબઈ અને ઊપનગરોમાં વસતા આપણા જૈન પરિવારો સુપેરે પરિચીત છે. આપણા આ મંડળની સ્થાપના થઈ ત્યારથી અત્રે વસતા આપણા આ ત્રણ ગામના “જૈન પરિવારો” નું સવિસ્તર ““પરિવાર પરિચય ગ્રંથ'' બનાવવાનું એક સ્વપ્ન હતું. જે આજે પંચતીર્થ સમાન મોટા પોશીનામાં “શ્રી ક્ષેત્રપાલ વીર” ના હવન પ્રસંગે શ્રી દેરાસરજીની પેઢીમાં આ મંડળના બદા જ કાર્યવાહક હોદ્દેદારો તથા આપણી સમસ્ત જ્ઞાતિના યુવા ભાઈઓ પ્રસંગવશાત ભેગા થયા ત્યારે આ “પરિવાર પરિચય ગ્રંથ” ને મૂર્તસ્વરૂપ આપવાનું કાર્ય આ કમિટીએ ઝડપી લીધું, ત્યારે બીજો એક વિચાર પણ આ કાર્યકરોના મનમાં જન્મી ચૂક્યો હતો, કે આપણે જે આપણા વતન ત્રણ ગામના જૈન પરિવારો માટે આ કાર્ય કરી રહ્યાં છીએ, તેમાં તેના ટાઈટલમાં આપણા ત્રણ ગામોનો ઉલ્લેખ કે ઓળખનો સમાવેશ થતો નથી તો આપણા સમાજ માટે એવું નામ શોધાય કે જેમાં આપણી આ ઓળખ આપોઆપ થઈ જાય. આ બાબતે સહુએ વિચાર કરતાં આ ત્રણે ગામનો પ્રથમ અક્ષર લઈને તેનું એક સંયુક્ત નામ બનાવવું. જેમાં આપણા જૈન ધર્મની ઓળખ પણ થઈ જાય અને આપણા એકત્ર થયેલ કાર્યકરો અને યુવા સભ્યોના પ્રયાસે ખેરોજ, લાંબડીયા & અને આપણા પંચતીર્થ સમાજ પોશીના મોટા , આ ત્રણે ગામના પ્રથમ અંગ્રેજી અક્ષરો લેતા મૂળાક્ષરોમાંથી ““કલ્પ” શબ્દની ઉત્પતિ થઈ તેને આપણા પરિવારોના સમૂહરૂપને “વૃક્ષ ની ઉપમા આપીને તેમાંથી બન્યું ““કલ્પવૃક્ષ” અને હવે સંપૂર્ણ ટાઈટલ “શ્રી કલ્પવૃક્ષ ત્રણ ગામ જૈન સમાજ” નામે પરિપૂર્ણ થયું. આમ સર્વાગે આવું અર્થસભર નામની પ્રાપ્તિ આપણા સુકાર્ય ““પરિવાર પરિચય ગ્રંથ” ના પ્રગટ થવાના સમયે થતાં સહુના હૈયા હરખાયા અને સર્વાનુમતે હવે આ નામથી આપણા સમાજનું નૂતન નામાભિધાન થયું “જાણે સોનામાં સુગંધ ભળી”.

ચાલો હવે આવીએ આપણા મુખ્ય અભિયાન “પરિવાર પરિચય ગ્રંથ” પ્રતિ, આ પરિચય ગ્રંથનો પ્રસ્‍તાવ સહર્ષ સહુ હાજર સભ્યોએ એકી અવાજે પાસ કરીને, તેને લગતી જવાબદારીઓ, “પરિવાર પરિચય ગ્રંથ પ્રકાશન' કમિટીની રચના

કરીને દરેક કાર્યકર ભાઈઓને અલગ અલગ કાર્યવાહી, જેમકે .. સ્થાનિક સભ્યોની માહિતી, બહારગામ વસતા પરિવારોની માહિતી, સમાજના ઉધોગપતિ, વ્યવસાયિક મહાજનો, પાસેથી જાહેરખબર હોય તેમજ ફંડ એકત્રીકરણ, પ્રાપ્ત માહિતીનું સંકલન કરીને કોમ્પ્યુટરાઈઝડ કરાવવાની, પ્રુફ રિડીંગની, પ્રિન્ટીંગ વિગેરેની વ્યવસ્થિત વહેંચણી કરવામાં આવી. આપણી કહેવત છે ને કે ““જાજા હાથ રળિયામણાં” તે મુજબ, સંપૂર્ણ પ્રકાશનની આખરી સમયમર્યાદા એટલે કે પર્યુષણના સ્નેહ સંમેલનના કાર્યક્રમમાં ચૈત્ય પરિપાટીના પાવનદિવસે તેનું વિમોચન કરવાનું લક્ષ રાખી સહુ સંપૂર્ણ એકાગ્રતાથી આ કાર્યમાં રાતદિવસ જોયા વગર એકરસ થઈ ગયા હતા, જેનું સફળ પરિણામઃ આપણા સહુનું વર્ષોથી સેવેલા સ્વપ્નનું મૂર્ત સ્વરૂપ આપણા જ્ઞાતિનો “પરિવાર પરિચય ગ્રંથ” જે આજે આપ સહુના હાથમાં આપ નિહાળી રહ્યાં છો.

આપણી જ્ઞાતિના જોસીલા... હોંશીલા અને પોરસીલા કાર્યકરોના ઉત્કૃષ્ટ પુરુષાર્થનું આ છે યશસ્વી ઉદાહરણ, જેનું રહેશે અમને... તમને, આપણને મીઠું સ્મરણ.

“મા જેમ તેના બાળકની માવજત કરે તેવી રીતે જ આપણી જ્ઞાતિના આ પ્રથમ “પરિવાર પરિચય ગ્રંથ” આપની સમક્ષ રજુ કરતાં અમે ગૌરવ અનુભવીએ છીએ.